રાજ્યમાં શિક્ષણ મુદ્દે સાંસદે પોતાની જ સરકારમાં પત્ર વ્યવહાર કર્યો છે. રાજ્યમાં શિક્ષણ પોલીસી અંગે પણ તેમણે આક્ષેપ કરતા રાજકીય લોબીમાં ફરી મસમોટી ચર્ચાઓ શરૂ થઈ છે.જોકે, લોકડાઉન શરૂ થયું ત્યારથી ઓનલાઈન એજ્યુકેશનને લઈને અનેક વખત મોટી ચર્ચાઓ શરૂ થઈ છે. એવામાં સાંસદનો પત્ર સરકાર સુધી પહોંચતા અનેક પાસાઓ પર લોકમુખે વાતો થઈ રહી છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને શિક્ષણ મુદ્દે પત્ર લખ્યો છે.આક્ષેપ લગાવ્યા છે કે, ઉદ્યોગપતિઓ બે નંબરના નાણામાંથી બચવા માટે શૈક્ષણિક સંસ્થાઓ તેમજ હોસ્પિટલ ઊભી કરે છે.ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને લખેલા પત્રમાં કહ્યું કે, થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિ.એ માટી કૌભાંડ કર્યું જે બાહર આવ્યું.બીજી શરમજનક ઘટના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના કુલપતિએ રૂ.7500માં પ્રિન્સિપાલનો એવોર્ડ ખરીદી લીધો એ કહી શકાય.ઉદ્યોગપતિ અને ધનવાન લોકો એમની બે નંબરની આવકમાંથી બચવા માટે CRS ફંડ ઊભું કરી રહ્યા છે.જે સરકારને આપવાના બદલે વેપારની સાથે શિક્ષણ સંસ્થાઓ તથા હોસ્પિટલ ઊભી કરે છે.
તેમણે વધુમાં લખ્યું હતું કે, કેટલાક એવા સરકારી એકમમાં શિક્ષકોને કોન્ટ્રાક્ટર તથા ક્લાર્ક બનાવી દેવામાં આવ્યા છે.ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતું નથી. જેના કારણે રાજ્યમાંથી કંપનીના MD, IPS, IAS, જનરલ મેનેજર, ONGC, રાષ્ટ્રીયકૃત બેંકોના મેનેજરો,ટેલિકોમ,રેલ્વે જેવા કેન્દ્ર સરકારના અન્ય સાહસોમાં ગુજરાતનીઓની ટકાવારી માંડ 1થી 5 ટકા રહી છે.
આજની વાત નથી.વર્ષોથી શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ્ય રીતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.શૈક્ષણિક સંસ્થાઓ કોઈ ચોક્કસ વિઝન સાથે કામ પણ કરતી નથી. શિક્ષણ ક્ષેત્રે જે નાની મોટી ભૂલ છે એને દૂર કરવા માટે પ્રયત્નો કરશો તો જ ગુજરાતના યુવાનો મોટું પદ મેળવી શકશે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં અનેક પ્રકારની શક્તિઓ પડી છે.પણ શિક્ષણ સંસ્થા જે રીતે ધ્યાન આપવી જોઈએ એવું કોઈ ધ્યાન આપતી નથી.ગુજરાતની પ્રજા તમારી પાસેથી ઘણી મોટી અને મહત્ત્વની અપેક્ષા રાખીને બેઠી છે.હું આશા રાખું છું કે, આ મામલે તમે હિંમત રાખીને આગળ વધશો.ગુજરાતમાં બેંક તથા કેન્દ્ર સરકારના ઘણા એકમમાં ગુજરાતીઓની સંખ્યા ઘણી ઓછી છે. જોકે, સાંસદનો કહેવાનો આશય ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી એ બાબત પર મુખ્ય રહ્યો છે.