સુરત : સુરત શહેરમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે એક ખાસ ઝૂંબેશ શરુ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.બીજી તરફ જરૂરિયાતમંદ લોકો આવા વ્યાજખોરના ચુંગલમાં ન ફસાઈ તે માટે પોલીસ હવે લોન અપાવવા માટે પણ મદદરૂપ બનશે.
સુરતમાં હવે 100 નંબર પર ફોન કરવાથી વ્યક્તિની માહિતી બેંકમાં અપાશે અને બેંકમાંથી અધિકારીઓ તે વ્યક્તિનો સંપર્ક કરશે અને બેંકના ધારા ધોરણ પ્રમાણે જો તો લોન મેળવવા પાત્ર હશે તો તેમને લોન મળશે.
સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું કે, વ્યાજના દુષચક્રમાં ફસાઈને કોઈ પરિવાર કે વ્યક્તિ ડીપ્રેશનમાં આવે કે સુસાઈડ કરી લીધું તેવા અનેક સમાચારો સામે આવ્યા હતા જે ખુબ ગંભીર બાબત છે.કોઈ પણ વ્યાજખોરના ચુંગલમાં ફસાઈને આ પ્રકારનું પગલું ન ભરે તે માટે એક ઝૂંબેશ શરુ કરવામાં આવી હતી.જેમાં અત્યાર સુધી 165 જેટલા ઈસમો વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સામાન્ય વ્યક્તિને કોઈ બીમારી કે અન્ય કોઈ કારણોસર લોનની જરૂર પડતી હોય છે.પોલીસની આ ઝુંબેશના કારણે વ્યાજખોરો લોન આપતા બંધ થયા છે.જેથી નાગરિકોને હેરાની ન પડે તે માટે અમે કો.ઓપરેટીવ બેંક,કોમર્શીયલ બેંક તેમજ સરકાર માન્ય પ્રાપ્ત લોન આપતી સંસ્થાઓ સાથે ચર્ચાઓ કરી હતી.
અત્યારે સરકારની કેટલીક એવી સ્કીમો ઉપલબ્ધ છે,જેમાં લગભગ 1 વર્ષના 12 ટકા જેટલા વ્યાજ વસુલીને લોન આપી શકાય એમ છે.લોકો વ્યાજખોરો પાસે એટલા માટે જતા હોય છે કે, તેઓએ બેંકમાંથી લોન લેવા માટે ઘણા બધા કાગળ તેમજ ઘણી બધી સિક્યુરીટીની ઝંઝટ હોય છે.જેથી બેંક અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી આ બધી જટીલતા સહેલી પણ કરવામાં આવશે.જે ભારત સરકારની સ્કીમ છે જેથી અમે એ નક્કી કર્યું છે કે જે વ્યક્તિ ૧૦૦ નબર પર ફોન કરશે તેની માહિતી અમે બેંક અધિકારી સાથે શેર કરીશું અને બેંક અધિકારીઓ તેની એલીઝીબલીટીની ચકાસણી કરશે અને તે વ્યક્તિ યોગ્યતા ધરાવતો હશે તો લોન મળશે.