બોગસ બીલીંગ કૌભાંડ અત્યાર સુધીનું સૌથી મોટુ : 200 બનાવટી કંપનીનો ઉપયોગ

63

અમદાવાદ તા.4 : ભાવનગરની મેટલ પેઢીને સંડોવતા 900 કરોડના બોગસ બીલીંગ કૌભાંડમાં નવા નવા ખુલાસા સાથે કૌભાંડનો આંકડો વધુને વધુ મોટો થવા લાગ્યો છે.કૌભાંડના મુખ્ય આરોપી અફઝલ સાજવણીનાં નિવાસેથી જપ્ત દસ્તાવેજોની તપાસ પરથી એવો ઘટસ્ફોટ થયો છે કે સમગ્ર કૌભાંડ આચરવા માટે 200 બોગસ કંપનીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને 2000 કરોડના બોગસ વ્યવહારો કરવામાં આવ્યા હતા.

એકાદ માસ પૂર્વે પાઠવેલા આ કૌભાંડમાં તપાસનો દોર સતત આગળ ધપી રહ્યો છે.જપ્ત ઉપકરણો-દસ્તાવેજોની તપાસ પરથી 2000 કરોડના બોગસ બીલ જનરેટ થયાનું બહાર આવ્યું છે.દેશમાં જીએસટી કાયદો લાગુ થયા બાદ અત્યાર સુધીનું આ સૌથી મોટુ બોગસ બીલીંગ કૌભાંડ હોઈ શકે છે.જીએસટીનાં બોગસ બીલીંગ કૌભાંડમાં અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બે દિવસ પૂર્વે ભાવનગરથી પકડાયેલો મોહમ્મદ મેઘાણી ઉર્ફે એમએમ મુખ્ય સુત્રધાર છે.મહિના પૂર્વે જપ્ત દસ્તાવેજોમાં મોહમ્મદ મેઘાણીનું નામ ઉપસ્યુ હતું અને ત્યારથી તે ફરાર હતો. ગુપ્તચર બાતમીનાં આધારે ભાવનગરમાં છુપાયો હોવાનું જાણમાં આવતા ગત રવિવારે ઉઠાવી લેવામાં આવ્યો હતો.

ભાવનગરમાંથી પણ જીએસટી વિભાગને શંકાસ્પદ વ્યવહારો ધરાવતા ઈલેકટ્રોનિકસ દસ્તાવેજો હાથ લાગ્યા છે અને ઝીણવટભરી તપાસ ચાલુ છે તેની તપાસમાં બોગસ બીલીંગ કૌભાંડમાં સામેલ અથવા બોગસ બીલો મેળવનારા વધુ વેપારીઓનાં નામ ખુલી શકે છે.

ગુજરાતનું આ સૌથી મોટુ જીએસટી કૌભાંડ બની રહેવાનો દાવો કરતા જીએસટી વિભાગના સીનીયર અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રાજકોટ,અમદાવાદ,ભાવનગર,ગાંધીનગર,પ્રાંતીજ, તથા સુરતમાં 71 સ્થળોએ દરોડા કાર્યવાહી કરવામાં આવી છે નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે.માધવ કોપરનાં ચેરમેન નિલેશ પટેલ તથા એચ.કે.મેટલનાં હસન કાલીવાલા ફરાર છે.

કૌભાંડીયાઓ દ્વારા ગરીબ લોકોનાં ઓળખપત્રો મેળવીને તેમના નામે બોગસ કંપની ખોલી જીએસટી રજીસ્ટ્રેશન કરાવી લેવામાં આવતુ હતું.આ કંપનીઓનાં નામે બોગસ બીલ જનરેટ કરવામાં આવતા હતા અને બોગસ વ્યવહારો દર્શાવીને ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવવામાં આવતી હતી.વેપારીઓ ગ્રે માર્કેટમાંથી ટેકસ ચુકવ્યા વિના માલ ખરીદતા હતા અને ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવવા બોગસ બિલનો ઉપયોગ કરતા હતા આનો અર્થ એવો થાય છે કે વેપારીઓ કોઈ ટેકસ ચુકવ્યા વિના ગેરકાયદે રીફંડ મેળવી લેતા
હતા.

Share Now